Ka? - Sonnet | RekhtaGujarati

પ્રભાતમાં ઝાકળની કીકીમાં

જોઉં તમારું સ્મિત શ્વેત-શુભ્ર...

અશબ્દ એ, નભ-લાલીમામાં,

મ્હોરી ઊઠે ઓષ્ઠ-શુ લાલ-લાલ

બપ્પોરના આતપમાં વિલોકું

રોષે ભરેલી તવ આંખને પ્રિયે!

વ્યાપી રહે કંપન વાયુમાં, તવ

ધ્રૂજી રહે અંગુલિ-ઓષ્ઠ જાણે.

રિસાઈને તેં લીધ ફેરવી મુખ,

સમીપ આવી સ્પરશું કપોલ...ને

ચૂઈ પડે આંખ... રતાશ ચૂમી લૌં

જાણે વિલોકું જવ આર્દ્ર સંધ્યા...

તમે બધે આમ વસી રહો કાં?

વિયોગની તો તક એક દો, પ્રિયે?

સ્રોત

  • પુસ્તક : કુમાર - ઑગસ્ટ ૧૯૬૯ (પૃષ્ઠ ક્રમાંક 279)
  • સંપાદક : બચુભાઈ રાવત