wishwmanwi - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિશ્વમાનવી

wishwmanwi

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
વિશ્વમાનવી
ઉમાશંકર જોશી

કીકી કરું બે નભતારલીની

ને મીટમાં માપું દિગંતરાલને,

માયા વીંધીને જળવાદળીની

અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી

યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;

સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી,

સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી

વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;

પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી

સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;

માથે ધરું ધૂળ વસુન્ધરાની.

[વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૩ (ગંગોત્રી)]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005