wishad - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિષાદ

wishad

બાદરાયણ બાદરાયણ

મને અવગણો, તજો, નવ કદીય સંભારજો,

વહે નય અશ્રુધાર નવ લૂછવા આવજો.

અનેક થર જામિયાં ઉર અશાન્તિનાં ભેદવા

પ્રયત્ન કરશો નહીં, સુદૃઢ ભલે સૌ રહ્યાં.

સુકોમલ ભાવ દૂર જડતા કરીને ફરી

પ્રસુપ્ત સ્મરણાબ્ધિમાં નવતરંગને પ્રેરશે.

સ્પૃહા તમ સંગની, કરવી રુચે ગોઠડી,

વિલુપ્તગતકાલભસ્મ ઉરમાં પડી સંઘરી.

વહાવી સહુ ભાવ હૃદય શૂન્ય શાને કરું?

વિભક્ત કરી શોકભાર નવ લેશ ઓછો કરું.

સુણાવી કથની દુ:ખ ચહું હું જરી ભૂલવા

પડેલ જખમોતણા વ્રણ દઈશ ના દેખવા

સુદૂર જઈ સર્વથી પરમ શાન્ત એકાન્તમાં

રહી લવીશ શોકગીત મુજ ચિત્ત સંતર્પવા.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981