wisarjan - Sonnet | RekhtaGujarati

પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,

અને સંકેલી લે ઘડીકમહીં રાસ રમવા,

ચઢી ચોપાસે જો પ્રલયપૂર વ્યાપે પલકમાં

ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા!

ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વફરતા

ફરે ઝંઝાવાતો, ફરીફરી બધું યે જગ સીઝે;

ખૂટે વાયુ તો હૃદયભરમાં દાહ દવતા

નિસાસામાંથી યે પ્રલયપૂર તો એક ગ્રહજે.

અને પ્હાડોના જો વીજતણખથી કોઠ ફૂટે

ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજ રજે,

પરંતુ વજ્રો શા દૃઢ વીજકડાકા કદિ ખૂટે

અરે હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે!

નિસાસા, આંસુને ઉરધબક સર્વે મુજ વહી

થશે નક્કી દેવા! તુજમય નવા સર્જનમહીં.

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2