wikhutun - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિખૂટું

wikhutun

જયન્ત પાઠક જયન્ત પાઠક

1

પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન

હવે તો નિરાંત? નહીં વિરહ, મિલન;

સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,

ફગાવી દીધો દોર, ફગાવ્યું વસન

રંગબેરંગી, પ્હેરી લીધું ચીવર નિ:સંગ;

ગલી ભણી નહીં, હવે ઊલટો પંથ!

પાછું વળી જોવાનું ના તમારે કે મારે,

વાતનો સરસ, કેવો આવી ગયો અંત!

એકમેકને અજાણ એમ ધારે ધારે

ફરવું સંભાળી, મળવું મઝધારે;

રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો

બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.

વરસી વરસી પ્રિય વેરાયું વાદળ,

રહ્યુંસહ્યું છતમાંથી હવે ગળે જળ.

2

જળની તે બીજી કઈ હોય સ્થિતિ-ગતિ!

ગળી જવું, ઢળી જવું, સુકાવું રૂંધાઈ

તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ

ફૂટવું તો બીજા રૂપે : તૃણ-વનસ્પતિ.

હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત

કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ!

ગળી ગયું; ઢળી ગયું, ગયું જે સુકાઈ

તેની પછવાડે હવે હરણશા ધાઈ

પામવાનું કશું! હોય રણ ને ચરણ

સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ.

ખરી જાય તારો અને ઝબકી ગગન

જોઈ લિયે જરા પછી મીંચી લે નયન.

એમ અમે વાળી લીધું તમારાથી મન

આંખથી વિખૂટું જેમ એક અટુલું વન.

સ્રોત

  • પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2003
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ