wijan waw - Sonnet | RekhtaGujarati

વિજન વાવ

wijan waw

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
વિજન વાવ
સ્નેહરશ્મિ

પડી વિજન વાવ એ; ચહુદિશે ઊગ્યાં ઝાંખરાં,

મનુષ્ય પશુ કો હવે ફરકે દિશા ભણી.

શિયાળ તણી ચીસ વા ઘુવડના અહીં કારમા

સુણાય કદી બોલ; શાસન અહીં મહાકાળનું.

અમે પગથિયા પરે પગ મૂક્યો મૂક્યો તહીં

ઊઠી સળવળી અનેક ઉરભંગ ભૂતાવળ;

અતીત મહીં થી શકે રમણી કોક ટ્હૌકો કરી

અલોપ કહીં થૈ ગઈ રણઝણાવતી નૂપુર.

ખસેડી હળવેકથી લીલ જળને જગાડ્યું અમે,

ઊઠયાં રણકી કંકણો ગુપત ગોઠડી ત્યાં મચી,

ઘડા ચમકતા ભરાઈ ઠલવાઈ માથે ચડયા;

અને મિલનની બજી નહી બજી જહીં ખંજરી

ઊડ્યું ઘુવડ કો ભયંકર પ્રસારી છાયા જળે ——

ભરી ગગનને રહી વિજન વાવની રિક્તતા.

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 374)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984