wasudhaiw kutumbkam - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વસુધૈવ કુટુમ્બકમ

wasudhaiw kutumbkam

નટવર ગાંધી નટવર ગાંધી
વસુધૈવ કુટુમ્બકમ
નટવર ગાંધી

રૂડા વતનથી પ્રવાસી જન આવતા જે કહે:

“વસો અહીં શું સાવ ઊભડક આમ ઊંચા જીવે?

ભવિષ્ય ભૂલી વર્તમાન જીવતા, ત્રિશંકુ સમા

અહીં નહીં, તહીં નહીં, સતત એમ વ્હેરાવ છો,

તજી જનની, જન્મભૂમિ, ધનની ધુરા ખેંચતા,

વિદેશ વસતા કુતુહલ સમા તમે કોણ છો?

અહીં સ્વજન કોણ છે? અકરમી મટ્યા હિન્દના!”

“જરૂર તજી હિંદની સરહદો, પરંતુ મટ્યો

નથી નથી હિન્દી હું, તજી નથી સંસ્કૃતિ

કદી બૃહદ હિંદની, નથી ભૂગોળ પૃષ્ઠે ભલા,

સીમિત કદી ભવ્ય ભારત, વળી સવાયો થઈ

અમેરિકન, હું થઈશ ગુજરાતી ગાંધી તણો,

ઉદાર ઉર, ક્ષાંત નાગરિક હું બનું વિશ્વનો,

સદૈવ રટું મંત્ર એક: વસુધૈવ કુટુંબકમ!”

સ્રોત

  • પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : નટવર ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2015