walawi ba, aawya - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વળાવી બા, આવ્યા

walawi ba, aawya

ઉશનસ્ ઉશનસ્
વળાવી બા, આવ્યા
ઉશનસ્

વળાવી બા, આવ્યા, જીવનભર જે સર્વ અમને

વળાવંતી આવી સજળ નયને પાદર સુધી

‘રજા’ ત્હેવારો કે અવસર વીત્યે, એમ નિજનો

વળાવી જન્મારો જીવનરસ થોડો કરી કરી,

ખવાઈ ચિંતાથી, વય-સમયને આમય થકી

બચેલી જે થોડી શરીરતણી રેખાકૃતિ ઝીણી,

વળાવી તે આવ્યા ફૂલસરખી ફોરી જનનીને;

દયી અગ્નિદેવે પણ લીધ ગ્રહી હાથ હળવે;

સ્મશાનેથી પાછો ફરું છું, ફરી જોઈ લઉં ચિતાઃ

હવે જ્વાલાઓ કજળતી’તી એકાંત વગડે,

સુણું છું કાષ્ટોમાં દૂર દૂરથી થોડી તડતડે,

વિભૂતિ ઊડીને–નીરખું-અવકાશે ભળી જતી;

અને મેં સાંજે તે ગગનભરી દીઠા શિવ-પિતા !

કપાળે ખીલી’તી બીજ જનનીકેરી ચરચિતા!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004