pratham ratri - Sonnet | RekhtaGujarati

પ્રથમ રાત્રિ

pratham ratri

રમેશ પારેખ રમેશ પારેખ
પ્રથમ રાત્રિ
રમેશ પારેખ

વંધ્યા અવાવરુંડિબાંગ હથેળીઓમાં

કેવી રીતે અવતર્યાં ગુલમ્હોર વૃક્ષો!

હાથ બટકી પડતા હતા તે

લીલાચટાક બસ આજ લીલાચટાક.

ભૂલેચૂકેય કરું સ્પર્શ હું કાંકરીને

તો કાંકરીય ટહુકો થઈ જાય આજ.

સીધાં ચઢાણ ચડવા મથતી હોય

રીત ઊપડતી પાંપણ માંડ તારી

સામે મને (હું પણ ઢાળ હોઉં તેમ)

સ્પર્શે અને લપસી જાય સલજ્જ દૃષ્ટિ.

ચોમેર ચંદ્ર સુખપાંચમનો પ્રકાશે

આખ્ખાય રોમવનને ભરતો ઉજાસે.

ઊભો ઊભો હું નવજાત બની જઉંને

મૂકી શરીર અળગું સરકી જઉં, ને...

સ્રોત

  • પુસ્તક : આપણાં સોનેટ (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : ચન્દ્રશંકર ભટ્ટ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : 5