રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
વિશ્વ સંવેદના
vishv samvedna
ડાહ્યાભાઈ પટેલ
Dahyabhai Patel
(પૃથ્વી)
દીઠા જગતના ફરી સકલ મેં પ્રદેશો, બધે
હતી સુરભિ એ જ એ ધરતી ઉરથી ફોરતી;
ખીલેલ નીરખ્યાં બધે સકલ આ ગુલાબી ગુલો,
સુણ્યાં મધુર ગીતડાં મૃદુલ કૈં વિહંગોતણાં.
બધા વન પ્રદેશમાં નિત ઉષા હસી નર્તતી,
બધે ગિરિવરો પરે વિવિધરંગી સન્ધ્યા ખીલે;
બધેય નીરખી મૃદુ ચમક પ્રેયસી આંખમાં
અને શિશુકના મીઠા ખિલખિલાટ સુણ્યા બધે.
પરંતુ નીરખ્યાં અમે મનુજનાં ઉરો સાંકડાં,
ચહે નિજ સ્વદેશને અધિક અન્ય દેશો થકી;
અમે ન નીરખ્યો ક્યહી પ્રણય વિશ્વબંધુત્વનો,
હતા સકલ રાચતા વતનના લઘુ વર્તુલે.
મને દરદ બ્હૌ થયું જરીકશા દિલો જોઈને,
વિશુદ્ધ પ્રગટી નથી હજીક વિશ્વસંવેદના!
સ્રોત
- પુસ્તક : બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : બળવંત જાની
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2014