vishv samvedna - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિશ્વ સંવેદના

vishv samvedna

ડાહ્યાભાઈ પટેલ ડાહ્યાભાઈ પટેલ
વિશ્વ સંવેદના
ડાહ્યાભાઈ પટેલ

(પૃથ્વી)

દીઠા જગતના ફરી સકલ મેં પ્રદેશો, બધે

હતી સુરભિ ધરતી ઉરથી ફોરતી;

ખીલેલ નીરખ્યાં બધે સકલ ગુલાબી ગુલો,

સુણ્યાં મધુર ગીતડાં મૃદુલ કૈં વિહંગોતણાં.

બધા વન પ્રદેશમાં નિત ઉષા હસી નર્તતી,

બધે ગિરિવરો પરે વિવિધરંગી સન્ધ્યા ખીલે;

બધેય નીરખી મૃદુ ચમક પ્રેયસી આંખમાં

અને શિશુકના મીઠા ખિલખિલાટ સુણ્યા બધે.

પરંતુ નીરખ્યાં અમે મનુજનાં ઉરો સાંકડાં,

ચહે નિજ સ્વદેશને અધિક અન્ય દેશો થકી;

અમે નીરખ્યો ક્યહી પ્રણય વિશ્વબંધુત્વનો,

હતા સકલ રાચતા વતનના લઘુ વર્તુલે.

મને દરદ બ્હૌ થયું જરીકશા દિલો જોઈને,

વિશુદ્ધ પ્રગટી નથી હજીક વિશ્વસંવેદના!

સ્રોત

  • પુસ્તક : બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : બળવંત જાની
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2014