padharo pachhan— - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પધારો પાછાં—

padharo pachhan—

માણેકલાલ પટેલ માણેકલાલ પટેલ
પધારો પાછાં—
માણેકલાલ પટેલ

તમારાથી સૂના સકળ ભવન મૌન વરસે,

અનામી ખાલીપે કુતૂહલ વધે, યાદ ઉમટે!

તમારા વાસંતી સ્મિતપરિમલોથી ઝલમલ

ચહેરાની રેખા અવ નવ કળાયે; છલબલ

થયાં હૈયાંનાં કો નવલ સ્વરૂપોને પ્રગટતો

અરીસોયે આછાં રજકણ ધરી મૂક બનતો!

ત્રણે પ્હોરે ઝંખી શિશુ સમ મુખે વાછરું ખડાં,

અટૂલા ઓટેથી અચરજ રડી જાય કૂતરાં,

ઝરૂખાની ખાલી પરબ તરસ્યુંથી તરફડે,

બધા ખૂણા જાળે કૃશવત બગાસે વલવલે!

ઉષાઓ સંધ્યાઓ તવ સ્મરણમાં ખંડિત બને,

સગૂઢા સંતાપે તલસન વધે, આરત તપે!

પધારો પાછાં હા, સ્મરણ ઝરતાં, સ્વપ્ન રચતાં

તમારાં ચાહ્યાં સૌ વીંટળઈ જવા ઉત્સુક બન્યાં!

સ્રોત

  • પુસ્તક : શાશ્વતી (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : આર. આર. શેઠની કંપની
  • પ્રકાશક : માણેકલાલ પટેલ
  • વર્ષ : 1981