chanothinun swapn - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચણોઠીનું સ્વપ્ન

chanothinun swapn

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
ચણોઠીનું સ્વપ્ન
બાલમુકુન્દ દવે

પ્રભો! હું સ્વાતીની ઝરમરસુધાના સ્પરશથી

કિરાયેલું મોંઘું નવલ ધવલું મૌક્તિક નથી;

હું તો કાંટાળી કો વનપથતણી વાડ વચમાં

ચણોઠી છું નાની, અચબૂચ ઊગી, અંતરવ્યથા

લઈ તારે કાજે, પલપલ તને રાંક રટતી,

રડું છાની છાની, તવ દરશની આરતભરી!

દિનાન્તે આકાશે શતશત શગે તારક તગે,

વધે એકાન્તોમાં તલસન, હજી નાથ અળગા!

કદી રે હું ભોળી, મમ પરણના મર્મર વિષે

પ્રભુજીના જાણે હળુ હળુ સુણું પાદપડઘા!

મને શ્રદ્ધા : કો દી વિરહશૂલના વીંધ વચમાં

પરોવી તું દોરો, ગ્રથિત કરી ગુંજા સુહવશે;

હશે ત્યારે મારી ઉરધબકનો શો ઉમળકો!

બનું તારે કંઠે કવણ ઘડીએ માળમણકો?

(૧ર-૯-૪૩)

સ્રોત

  • પુસ્તક : બૃહદ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010