Avadhi - Sonnet | RekhtaGujarati

તમારા હૈયાનું ઝરણ મધુરું હૃદયમાં

સર્યું, મારું હૈયું તમ મહીં ઝર્યું, મહીં હશે

બધાં આશ્ચર્યોની અવધિ સુખદા : કલ્પ્યું નવ મેં.

તમે છેડેથી વિરહ શણગાર્યો સપનથી;

અને મેં છેડે ક્ષણક્ષણ કરી યાદ તમને,

હઠાવ્યો હંફાવ્યો જડ વિરહનો વ્યૂહ કપટી.

તમે આઘે આઘે, તદપિ અહીં વ્હેતી લહરીએ

સુહ્યાં, ઝૂલ્યાં, ગુંજ્યાં, હળવું મલક્યાં; મેં ક્ષિતિજની

ચડી આંખે ઘેર્યું ગગન તમને સાથ લઈને.

તમે ત્યાં ને હું અહીં તદપિ બેઉ મળી રહ્યાં

અહો, એકી સાથે સ્થળ ઊભય; ના કેવલ નભે,

અહીં-ત્યાં એકાન્તે, સભર વસતિમાં, સદનમાં

બધાં આશ્ચર્યોની અવધિ કહી, તે તો જગતને

ખરું કહેવા કાને : અચરજ નથી લેશ અમને.

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ