Vatan thi Viday Thata - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વતનથી વિદાય થતાં

Vatan thi Viday Thata

જયન્ત પાઠક જયન્ત પાઠક
વતનથી વિદાય થતાં
જયન્ત પાઠક

મૂક્યું વન, મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,

મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં કોતરો, ખેતર;

આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું ઘર

વેચાઇ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;

આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;

હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે

આઘે વેકુરથી નદીની હજીયે આંગળીઓ ૨મે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં કાળના વ્હેણમાં

પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણનાં;

ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યું શા વેઠિયા ચાલવું

સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી-

મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી!!

(૪-૯-૧૯૬૯)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000