Vatan thi Viday Thata - Sonnet | RekhtaGujarati

વતનથી વિદાય થતાં

Vatan thi Viday Thata

જયન્ત પાઠક જયન્ત પાઠક
વતનથી વિદાય થતાં
જયન્ત પાઠક

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,

મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;

આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર

વેચાઇ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;

આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;

હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે

આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ ૨મે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં

પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણનાં;

ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યું શા વેઠિયા ચાલવું

સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી-

એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી!!

(૪-૯-૧૯૬૯)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000