વસંત(પંચમી)ના પવનો
vasant(panchamii)naa pavano
ઉશનસ્
Ushnas
ઉશનસ્
Ushnas
વસંતપવનો નિહાળી રહું ઓટલે હું ખડો;
અલજ્જ અળવીતરા ટીખળી ટોળીબંધે પડ્યા
અહો, નીકળી શેરી શેરી વનવીથિએ ફાંકડા
રજોમલિન માઘના રખડુ ફાગવેશે ભડો!
વસંતપવનો નિહાળી રહું ઓટલે : શી અહા!
ધમાચકડી રે મચાવી રમણે ચડ્યા આકળા
જવાનવયના તૂફાની ભરવાડના છોકરા,
વને હચમચાવી વલ્લીદ્રુમપર્ણ સૌ, વાહ વા!
વસંતપવનો : અહો, નફિકરા, પડ્યા પ્રાતથી
મચેલ ઉધમાતિયા ધૂળ ઉરાડવા ભૈરવ;
બધાંથી અદકા પ્રહૃષ્ટ, મધુઆગમે ઉત્સવ
અશો મદીલ વન્ય અન્યતર કોઈનેયે નથી.
વસંતપવનોની હ્યાં ઘરતટે સહું ઝાપટો,
અને વયતટે મનો, વનતટે કળીસંપુટો.
સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : ઉશનસ્
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996
