Varsho Pachhi Vatan Ma - Sonnet | RekhtaGujarati

વર્ષો પછી વતનમાં

Varsho Pachhi Vatan Ma

જયન્ત પાઠક જયન્ત પાઠક
વર્ષો પછી વતનમાં
જયન્ત પાઠક

આ તે ખેતર, પાકસોડમ હજી એવી જ જે માણી'તી

ભારામાં શિરના (શિશુ-શરીરની એ દૂધિયા સોડમ!)

આ આડી ભૂત-આંબલી પડી ભરી ભેંકારને ચોગમ;

ટોળીએ ભૂતની જહીં ઊતરતા અંધારમાં ભાળી’તી.

આ તે કોતર, શૈશવે પગ સર્યા મૈં વા૨ ઉ૫૨ જતાં

(આજેયે શમણે છળી ઊઠું મને સરકી જતો દેખતાં!)

આ તે સ્થાન, અહીં જ વ્હેલી ઊઘડી'તી નાની બે આંખડી;

(દાદાની ખખડે હજીય મનમાં ઓરીપરી ચાખડી).

રે એ દાતરડું! ગયું લણી શિશુસ્વપ્નો-ઊભા પાકને;

એ ભૂવો! સહુ ભૂતને વશ કરી શીશે ઉતારી દીધાં;

કોનું રે હળ! કોતરો પૂરી દીધાં, સૌ સાફ જાળાં કીધાં;

(રાની બિલ્લી-શિશુ તણાં સપનને સંતાડવા ક્યાં હવે?)

કેડીઓ ગળી ચુસ્ત ઘાસ અહીં આ વાગોળતું કાળને;

તીણી ચાંચ વડે કરંત ટચકા પંખી લીલી ડાળને.

(૪-૯-૧૯૬૯)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000