Vahya Varsho - Sonnet | RekhtaGujarati

વહ્યાં વર્ષો

Vahya Varsho

રમણ વકીલ રમણ વકીલ
વહ્યાં વર્ષો
રમણ વકીલ

વહ્યાં વેગે વર્ષો, જીવનજલ સાથે વહી ગયાં

કદી મેલાં-ઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;

ધસ્યાં સ્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,

વહ્યાં તો કો' કાળે વિપુલ નદશાં સૌમ્ય, ગંભીરાં.

વહ્યાં વર્ષો તેમાં વિધવિધ દશાઓ અનુભવી,

રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉરભરી;

મહેચ્છા, આશા કૈં વિફલિત બની ને કૈં ફળી,

વિષાદે, આનંદે જીવન-ઝરણી સંતત ભમી

પહાડો, મેદાનો, વન, રણપ્રદેશો ફરી વળી.

વસ્યાં'તાં હૈયે જે સ્વજન-સુહૃદો તે પ્રિય ગયાં :

ચિતામાં પોઢાડ્યા કઠણ હૃદયે ને સ્વનયને

નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી

વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વણી લીધાં

ઉરે આજે સંચ્યાં સ્મરણ-કુસુમો જતનથી.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ