Betho Haji Bankade - Sonnet | RekhtaGujarati

બેઠો હજી બાંકડે

Betho Haji Bankade

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
બેઠો હજી બાંકડે
હરિકૃષ્ણ પાઠક

૧.

ના જાણું કંઈ કેટલાં વરસથી બેઠો અહીં બાંકડે,

છે જાહેર જગા, વળી મળી જતાં લોકો ભલાં તાકડે.

હે ભોળા ભગવાન, ભગતનું તેં ચિત્ત કેવું ઘડ્યું;

આવ્યું જે કંઈ દૂર કે નિકટનું –જેવું રડ્યું કે ખડ્યું–

સૌના બસ હાલચાલ પરખી જે કાંઈ આંખે ચડ્યું

સંચ્યું ભીતરમાં, ખરાં જતનથી: જાણે કશું સાંપડ્યું!

ખોટી ખાંખત તો નથી હૃદયને કોઈ ખૂણે-ખાંચરે,

કે ના કોઈ તમા વળી અવરની કે કોણ શું આચરે;

નાતો આમ બધાયથી અલગનો, કે ના ઉપાધિ ખરે

તોયે સ્હેજ લગાવ તો થઈ જતો થોડોઘણો આખરે!

ના કંઈયે ફરિયાદ –જો કવળની વેળા જતી-આવતી

ધાર્યુંયે નહિ હોય જે સપનમાં એવું કશું લાવતી,

ને આવું ઘડનાર ઘટને કેવું કશું તાવતી?

અંદર કંઈ કંઈ થાય દુ:ખ-સુખ જે , રે બેઉ બ્હેલાવતી!

૨.

જેવું જીવનમાં હતું અસલથી એવું ચાલે હજી,

પાટા જાય ભલે દશે દિશ મહીં, ના સંગ દેતા ત્યજી,

જન્મ્યું તે કરશે નકી રુદન ને થાળી રૂડી વાગશે;

જેને જીવન ના કશા અભરખા –ઝબૂકી જરી જાગશે,

જેવું જે નભતું રહ્યું રટ થકી સૌ રોડવી જાણશે,

સર્જ્યા જોગ-વિજોગ કંઈ અવનવા, કાં ભોગવી, માણશે.

આખોયે અવતાર કેમ કરતાં પંથમાં કાપવો?

જે સંસાર મળ્યો નસીબલખિયો તાપે તપી તાપવો.

ના કંઈ ફેર પડે; ભલે ભવરણે સૌ જાતને જોગવે

થાતાં ઠામ ઘડીક તો ચડભડે, પાછું બધું ગોઠવે;

છે તો જળથાળ ભાઈ, જગની જે પાઘડીને પને

છેડે જૈ વળ લાવશે –અકળ કંઈ, સમજાઈ જાશે તને!

જો કે કો વિરલા કદી કદીક તો એવી ઉફાંદો ભરે–

તોયે લોક પળે ગતાનુગતિકે –એ સૂત્ર સાચું ઠરે.

૩.

વ્હેતાં વાદળ આમતેમ નભમાં, પાછાં કશે જાય છે,

એવી યાદ ઘણી ઘણી ઊમડતી ને ક્યાંક વેરાય છે.

જેની સંગ જતું હતું અવર જે –જો કે અજાણયું ન’તું;

તોયે જાય ભુલાઈ એક પળમાં –આવું અરે કાં થતું?

કોના પાય હતા જતા લથડતા ને કોણ ઉતાવળું–

શોધું નામ ફરી છતાં સ્મરણમાં ના લાધતું ચાંગળું.

બેસું કંઈ લગરીક ધ્યાન ધરતો, ઊંડો વળી ઊતરું;

લાગે કે પળમાં બધું ઊકલશે, થાશે સમું-સૂતરું–

તોયે ના મળતો લગાર તણખો આછોતરા તેજનો

વ્હેતો કેવળ વાયરો ધગધગ્યો, આસાર ના ભેજનો.

અંતે કેવળ એટલું સમજતો કે છે –બધું સ્વૈર છે;

એમાં કેવળ ઇષ્ટ છે નીરખવું –ના વ્હાલ કે વૈર છે.

જો કે પ્રશ્ન ફરી ફરી પજવતો કે કોણ આવ્યું હતું?

ને પાછું પળમાં વળ્યું અકળ એ, શું મેય ભાળ્યું ન’તું?!

૪.

ઊભો, આંખ ભરી ભરી નીરખતો, વિશ્વ જે વિસ્તર્યું,

કેવી ને કંઈ કેટલી અવનવી હસ્તી થકી છે ભર્યું!

પાસે ખુશહાલ કોઈ વિહરે લાંબા ડગ મ્હાલતું,

ને પાસ કશું અકડતું બેળે રહે ચાલતું.

કોએ સાજ સજ્યા કશા અવનવા ને કોઈ સાદું ફરે;

થંભે જે નહિ બોલતું ક્ષણ વળી, ને કોઈ મૂંગું મરે.

આકાશે ધરી મીટ કો અકળને જાણે રહ્યું દેખતું

આંખો બંધ કરી અબોલ જણ કો શું ભીતરે પેખતું!

જેને કોઈ જળોજથા ખપતી, લંબાવતું બાંકડે

ને કોઈ ભરકેફ શું હરખતું –લાધ્યું મધુ આકડે!

આવી અદ્ભુત ધરિત્રી પર કોણે પ્રભા પાથરી?

ઘૂમે છે પૃથિવી અથંભ ગતિએ, કેવી રચી છે ધરી!

થાતું કે સઘળા જનો સ્વજન છે, છે એક બાધા ખરી;

આવે યાદ નામ કોઈ જણનું –પૂછું? પૂછું વળી?

૫.

સાંધા, સિગ્નલ, ઝંડીઓ ફરકતી, પાટા પડ્યા પાધરા,

દેખું કોઈ ચડે, વળી ઊતરતું, ધીંગા ખડા દાદરા

એમાં કોઈ અણોસરું જણ વળી સંકેલતું પાથરા

ને કોઈ મુખ રામરામ રટતું આરંભતું જાતરા.

વાગે વ્હિસલ ગાર્ડની ફરુરતી ‘ખિસકોલી શી ખાખરે’

દોડાદોડ મચી જતી, હચમચી, ગાડી મળી આખરે!

ને ભાતીગળ સંઘ જગતનો ખૂણેખૂણો આવરી–

અંદરથી સરખાં; બધાં સરખાં –બેઠો બધું છાવરી.

ગાડી સાવ તટસ્થ, સજ્જન સહે વ્હાતી ખુદાબક્ષને,

છે ગંતવ્ય ઠર્યા બધાં પ્રથમથી, તાકે કો લક્ષ્યને.

એવા અવ્વલ ઉંબરે અટલ હું આનંદથી છું ખડો,

ખાલી ઠામ ભલે રહે ખખડતાં –લ્યો લ્હાવ કે લ્યો ધડો.

ધોળે દી પણ બત્તીઓ ઝગમગે, ખાલી પડે બાંકડા,

થાતાં ફાટક બંધ, શે ઊઘડે –ઊભાં જનો રાંકડાં.

૬.

છેવટ સંસાર ભાઈ, સમજો! ટાઢા-ઊના વાયરા

વાતા રહે અણચિંતવ્યા અકળ સૌ સંતાપ ને છાંયડા.

થાતાં કંઈ નુકસાન કે ઘટ પડે, કે નૂર દેવાં પડે;

એવું તો ભૈ થાય જીવતરે, એમાં વળી શું રડે?

પાટે ના કશી કરતબો, બોલોઍ મથો ક્યાં લગી?

મોંઘા ગણવેશની ગણતરી જ્યાં સાવ સોંઘી થતી!

આખું કમઠાણ, તંત્ર સઘળું બાંધ્યું ભલેને કસી

લાંબું ના નભશે, કથા કઠણ છે –જ્યાં ભોંય જાતી ખસી.

ઝાવાં નાખત મૂળિયાં –મરણિયાં –માટી નથી ઝાલતી,

ને જુઠ્ઠા શણગાર ધારણ કરી ઘેલી હવા મ્હાલતી.

આવા અળવીતરા સમયમાં ધાર્યું કશું ના થશે,

ખંધા, ખાટસવાદિયા –મરમમાં મીંઢા જુઓ શા હસે?

ઝાઝું ના સમજાય તોય મન તો એવું ચડ્યું ચાકડે–

આવે-જાય-વિલાય સૌ નીરખતો બેઠો હજી બાંકડે!

સ્રોત

  • પુસ્તક : અવધિ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : હરિકૃષ્ણ પાઠક
  • સંપાદક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા
  • વર્ષ : 2020