વાત લ્યાં કોણ માંને?
vaat lyaan kon maane?
હસમુખ કે. રાવલ
Hasmukh K. Raval
હસમુખ કે. રાવલ
Hasmukh K. Raval
કૉન્દાને ભૈ, જરીય નખમાં રોગ તો વૉય ચ્યાંથી?
વાળી બેઠા પગ મિલિટ ભૈ, ચ્યાંય જોયા તમીં હેં?
જોકે રૉમ્ભૈ અનુભવી છતાં હાવ સૂટી પડ્યા તે -
નાંશી જીપે શિવિલ લઈ જ્યા,વાત લ્યાં કોણ માંને?
વ્હેલાં ચારે ટણણ ખખડ્યો ફૉન ટાઢા અવાજે,
જીવી તો ભૈ દહ-દહ જણે હાથ ઝાલી ન ર્હેતી.
કૂવે-કૂવા ઠપ,તરત હાંફે ચડી શૅમ આઈ,
ત્યોં ઓચિંતી જીપ ઊછળતી પોકની પોક લાઈ.
કૉન્દા' હૂતા ઉમરભરની ઊંઘ લેવા ચિતાએ,
ધૂણી સૉતો પવન અડતાં... હંસલો જાય ઊડ્યો.
નૅકે પાંણી ખળખળ જતાં ભૂલતાં જાય ચ્હેરો
હાલ્લે કાળા દિવસ ઊછળ્યા છાજિયાંની ધડૂસે.
'માડી,ચ્યેવાં અધર ઊછળી...' નૅનકી કૂટતી ત્યાં,
'લૂંડી લાજાં...' ધખતી પણ જીવી હશી ઓઠ બીડી.
સ્રોત
- પુસ્તક : શબ્દમુદ્રિકા (પૃષ્ઠ ક્રમાંક 38)
- સર્જક : હસમુખ કે. રાવલ
- પ્રકાશક : પોતે
