usha nhoti jagi - Sonnet | RekhtaGujarati

ઉષા ન્હોતી જાગી

usha nhoti jagi

સુન્દરમ્ સુન્દરમ્
ઉષા ન્હોતી જાગી
સુન્દરમ્

ઉષા ન્હોતી જાગી, જગત પણ જાગ્યું નહિ હતું,

અને જાગ્યું ’તું ના ઉર, નિંદરની ચાદર હજી

રહી'તી ખેંચી ત્યાં હળુહળુ કરે જાગૃતિ જહીં,

તહીં પેલા ટુઈટુઈ ટુહુક અમરાઈથી ઉડતા

સર્યા કાને, જાણે વિહગજુથ પાંખો ફફડતું

પ્રવેશ્યું ઉદ્યાને, વિટપવિટપે બેસી વળિયું.

અને પક્ષીના કલરવમહીં તારી સ્મૃતિઓ

ઉડી આવી ટોળુ થઈ, વિટપ સૌ અંતરતણી

રહી ઝૂકી, મીઠા સ્મરણભરથી નીંદર વિષે

દબાઉં, ત્યાં પાછી અડપલું કરી જાગૃતિ જતી; ૧૦

અને તાણાવાણા અધુરી નિંદ ને જાગૃતિતણા

વિષે શો સોનેરી કસબ સ્મૃતિ તારી વણી રહી!

થયું ત્યાં હૈયાને: હજી હજી વસંતે નથી ગઈ,

હજી આંબો મ્હોરે ઉર ગુપત કો કોકિલ લઈ.

સ્રોત

  • પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1939