uphaar - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉપહાર

uphaar

કાન્ત કાન્ત
ઉપહાર
કાન્ત

ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે! સૌમ્ય વયનાં

સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;

અને કુંજેકુંજે શ્રવણ કરતો ઘાસ પરના

મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!

તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં

વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ અને

સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે

અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની!

ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,

કર્યા ઉદ્ગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા.

સખે! થોડા ખીણો ગહન મહિ તો યે રહી ગયા,

કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું.

અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,

ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!

રસપ્રદ તથ્યો

આ કાવ્ય કવિના સમકાલીન કવિ અને મિત્ર બલવંતરાય કલ્યાણરાય ઠાકોરને સંબોધી લખાયું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000