upDi Damni - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દા'ડી સાંજે સીમથી વળતું વાતનું રમ્ય ટોળું,

વીંખી, લીધું ટીખળ મહીંથી એક; પેલા કૂવાના

કાંઠે દીઠા કમનીય વળાંકો વીંટીને, નદીની

રેફૂડીની રમત બધી પાનેતરે ગોપવીને,

તોફાનોની ઢગલી અમથી એક નાની કરીને,

ઑગાળીને નયન ગમતીલાં, મજાકો વિખેરી,

માફાવાળી ડમણી નીકળી નૂર લૈ આંગણાનું!

સાંતી છોડી ગુસપુસ કરી ગોઠડી ભેરુ સંગે

મોં ભાળ્યાની ચગળી ચગળી કોઈ મધ્યાહ્નવેળા

છાંયે બેસી ઝગતી બીડીનાં ગૂંચળામાં ધસંતું

શેઢે જોયું રૂપ ધુમસિયું! આજ ગાડું ભરીને

સોડે બેઠું! રજનીભરનું રુક્ષ એકાંત લીલું

લીલું થાશે? મબલખ લણી પાક સૌ સોણલાંનો

સાફાવાળી ઉપડી ડમણી ગામને ગોંદરેથી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000