aswikar - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અસ્વીકાર

aswikar

નટવર ગાંધી નટવર ગાંધી
અસ્વીકાર
નટવર ગાંધી

બગાડી ભર ઊંઘ મોત ખખડાવતું બારણું,

મજાલ કશી ધૃષ્ટની! વગર પત્ર, નિમંત્રણે,

નોટિસ, વાત, ના ચબરખી, ચિઠ્ઠી વળી,

જરૂર થઈ ભૂલ ક્યાંક, સરનામું ખોટું હશે!

પીડાય જીવ કૈંક રોગ સબડે, સડે બાપડાં,

પડ્યા મરણની પથારી, છૂટવા મથે રાંકડા,

અનેક નવરા નડે, જરઠ કૈં નકામા જીવે,

ચૂકી મરણ બધા અચૂક ભૂલ મોટી કરે!

રોગ નખમાં મને, નરવી નાડ, પંડે પૂરો,

અનેક કરવાં હજી ધરમ પુણ્યનાં કામ, ને

રહી અધુરી વાત કૈં, જરૂર જાણતો મોત તો

લલાટ સહુ ને લખ્યું, વ્યર્થ એની ચિંતા કશી?

પરંતુ નહી આજ, છો ખખડતું રહ્યું બારણું,

કબુલ કરી ભૂલ નિજ જમરાજ પાછો જશે.

('મોત ખખડાવતું બારણું' સોનેટમાળામાંથી)

સ્રોત

  • પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સર્જક : નટવર ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2015