Unala no Divas - Sonnet | RekhtaGujarati

ઉનાળાનો દિવસ

Unala no Divas

જયન્ત પાઠક જયન્ત પાઠક
ઉનાળાનો દિવસ
જયન્ત પાઠક

દિવસ વહતો ઉનાળાનો ધીમેપદ નીરવ

રણ મહીં યથા ધીમી ચાલે જતા ઊંટ-કાફલા;

ચહુદિશ રહ્યો રેતી કેરો લૂખો પટ વિસ્તૃત,

પશુગણની છાયામાં ટૂંકી મૂકે પથિકો ડગ.

વરસતી લૂમાં ચાલે ઊંટો સ્થિર, ક્ષિતિજે દંગ

મૃગજલ તણું દૃષ્ટિ સામે તરંત સરોવર;

ઝૂકી તરુ રહ્યાં જેને કાંઠે છળંત મુસાફિર

જહીં દૃઢ રહ્યા રોધી રેતી તણા ઢગ એકલા.

તહીં દિવસને અંતે દેખે દૃગો રણદ્વીપને

જહીં ખજૂરીનાં ફુવારા શા લીલા જલનાં દ્રુમ;

નીરખી ઊંટ ઝોકાવી થાક્યા ઢળંત મુસાફિરો

શીતલ જલના પાને તાજા, મુલાયમ રેતમાં.

દિનદહનને અંતે કેવું શશીમુખઅમૃત!

રજની અરબી રાત્રિઓની કથા સમ અદ્ભુત!

સ્રોત

  • પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978