રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(૧)
વધુ સમય વાસેલી – ડેલી – સદાય ઢળે તહીં
અતિથિ સહુના દૃષ્ટિપાતો હતાશ, ચહે ધૂલિ
ફળીની પગલાં, ત્યાં ખીલેલાં પ્રસૂન ચૂંટાઈને
ચડી નવ શકે પોતે વાંછી સ્થિતિ ઘનકેશલ!
ખરતી રજથી નાતો બાંધી રહે ઘરઓરડા,
ષટ્પદતણું ભીંતે ભીંતે સુહે અતિ કૌશલ!
પ્રહર દ્વયનો મુલાકાતી પ્રકાશ, પછી ધસી
હવડભીનું અંધારું ઝાઝું રહે ઘરની મહીં!
કદીક દિન છુટ્ટીનો – મૂર્છા ટળ્યે ઘરનાં ખૂલે
પડળ સરખાં દ્વારો, બારી કને વિરમું જરી
પકડી સળિયા બ્હારે જોતાં – તુરંગ મહીં પડ્યા
બહુ વરસના બંદી જેવો દિસું બહુધા હુંને!
દુમ પટપટાવીને ઊભું ખૂલું ઘર દેખતાં
કશુંય નહિ શ્વાને પામ્યું – ‘આ નર્યા ઢગ ઈંટના!’
(૨)
જરીક અડતાં ખૂલી જાતા ફટોફટ આગળા,
તહીં તુલસીનો ક્યારો ભીનો, સુવાસ વળાંક લૈ
ચડી ધૂપસળીની ત્યાં ઊંચે, ફરે તીતલી ફૂલે!
વિહગ પગલાંનાં રોમાંચે હસાહસ આંગણું.
ધસતી ઘરમાં ચોપાસેથી સવાર રુઆબથી,
સર કરી લિયે ચોખ્ખો વાયુ નવું સ્થલ સાંપડ્યું!
અવરજવરે હ્યાં ચલ્લીની સર્યા સળિયા બધા
મુજ ઘરની બારીના? મુક્તિ લભાય-સુધન્યતા!
સદન મહીં તો જ્યાં જ્યાં સ્પર્શ્યા મુલાયમ હાથ એ
બધુંય ઉજમાળું! વસ્તુઓ અને અસબાબ આ
અનુસરત એણે સ્થાપેલી મનોહર શિસ્તને.
ચખું મધુર માંજેલી આભા હવે સહુ પાત્રમાં!
અવ નીસરજો લૂખાંભૂખાં લગોલગ આ ઘર,
અમીર હુંય – સૌને ઝૂમીને કરી રહું આદર!
સ્રોત
- પુસ્તક : શબ્દે કોર્યાં શિલ્પ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સર્જક : ભાનુપ્રસાદ પંડ્યા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1999