tulsiparn - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

‘તાંબાલોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે?

જોજો પાછું ભૂલી નવ જતા વ્યર્થ જંજાળ આડે!

રે'શે મારાં તુલસી તરસ્યાં, પાંદડાં ઓસવાશે.

એકેય ના પરણ ચૂંટજો જીવતું છોડવેથી;

કૂંડામાં જે ખરી-ગરી પડ્યાં હોય તે માત્ર લેજો;

રાજી રે'શે પ્રભુ, ઝળહળશે દીપ સૌભાગ્યનો યે.’

નિત્યે માના મુખથી સ્ત્રવતા શબ્દ ભીના ભરેલા;

વૃંદા-વિષ્ણુ-પરિણય લિયે કાર્તિકે ધન્યતાથી.

ધ્રૂજે દીવો, અરવ કણસે ખંડ, લંબાય ઓળા;

મૂગું મૂગું ધસી રહ્યું કશું ભક્ષી લેવા પિતાને

સૂતેલા જે ક્ષીણ થઈ; બધે ડૂસકાં કૈં થીજેલાં.

અર્ધા ખુલ્લા જનકમુખમાં કંપતે હાથ માતા

મૂકે લીલું પરણ તુલસીનું ભીડી હોઠ સૂકા

આયુષ્ય જે ઉર સીંચી ઉછેરેલ તે છોડ કેરું!

સ્રોત

  • પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009