to? - Sonnet | RekhtaGujarati

તને નયન હોત જો મુજ, અને હતે ન્ય્હાળ્યું તેં

સદૈવ મુજ દષ્ટિથી સકળ તંત્ર સંસારનું,

શકયો હત સંભવી કદિ તો વિસંવાદ આ,

હોત વણસ્યા બધા મૃદુ મનોરથો આપણા.

અને ઉભય આપણે સુખદ હૂંફ અક્કેકની પ

સદા અનુભવી, કરે કર ગ્રહી, હસી વિઘ્નને,

સ્ત્રજી નિતનવીન કો મધુરપે મનોરાજ્યને,

અખંડ વિજિગીષણા ગજવતાં હતે જીવને.

‘અરે! નયન હોત જો મુજ તને!' -રહું ચિન્તવી;

અને હૃદય મુગ્ધ દ્રવતું એક નિ:શ્વાસમાં; ૧૦

મનોસ્થ વિનષ્ટ સૌ નયન પાસ નાચી, ઘડી

રહે છે મુજ મૂંઝવી મતિ; તદા ફરી ચિન્તવું:

નિહાળ્યુ કંઇ તેં નહિં કદિ નેત્રથી માહરાં;

પરંતુ તુજ નેત્રથી નિરખી હુ શકયો હોત તો?

નવેમ્બર : ૧૯૩૬

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939