થતું કુસુમને
thatun kusumne
મનસુખલાલ ઝવેરી
Mansukhlal Jhaveri
મનસુખલાલ ઝવેરી
Mansukhlal Jhaveri
થતું કુસુમને : ધરું કવણને હું આ પાંખડી?
– ધરાહૃદયમાં ચિરં સમય બીજરૂપે રહી,
નસેનસમહીં રસો વસુમતીતણા સંગ્રહી,
અનન્ત સ્વપ્નોતણી મૃદુલ સૃષ્ટિને સર્જતી,
થઈ પ્રકટ એકદા, પ્રથમ વાર જ્યાં પાંખડી,
થતું કુસુમ મુગ્ધને : બહવું ક્યાં કલા આત્મની?
ચડી શિવશિરે કૃતાર્થ બનું સીકરે ગંગના?
સુણું હું અથવા કથા ઉતરણી નવોઢાતણા,
રહી, ધડકતા નવા અનુભવેથી હૈયા પરે?
રમું સરળ હાથમાં શિશુતણા હું નિષ્પાપ વા
રહી અહીં જ, માતની સરસ નીલ સાડીમહીં
બની રહું હું ફૂલડું, ઇતર પુષ્પની સાથમાં?
ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
ર્હેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે!
સ્રોત
- પુસ્તક : કાવ્યસુષમા (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : અનંતરાય રાવળ, ગુલાબદાસ બ્રોકર, અમૃતલાલ યાજ્ઞિક
- પ્રકાશક : વોરા એન્ડ કંપની
- વર્ષ : 1959
