tane chhatan chhatan - Sonnet | RekhtaGujarati

તને ચ્હાતાં ચ્હાતાં

tane chhatan chhatan

નિરંજન ભગત નિરંજન ભગત
તને ચ્હાતાં ચ્હાતાં
નિરંજન ભગત

તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ

ગયો સર્જી મારે હદય વસતો ગોપન કવિ!

તને તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,

વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;

તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,

વળી સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;

અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય

થયો એનો રે વિસ્મરણ નહીં સંપૂર્ણ વિલય!

હવે હું તારા અસલ રૂપને ના લહી શકું,

તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;

તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,

તને જોવી મારે હૃદયકવિના નયનથી!

કશી તારી લીલા, કવિ! કળતો હું તવ છલ!

સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!

(૧૯૪૮)

સ્રોત

  • પુસ્તક : છંદોલય (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : નિરંજન ભગત
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : 2