tane adhik shen na chahun - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તને અધિક શેં ન ચાહું

tane adhik shen na chahun

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
તને અધિક શેં ન ચાહું
હરિશ્ચંદ્ર ભટ્ટ

તને અધિક શેં ચાહું, અવ દૂર છોને રહ્યાં.

અરાગ તુજથી થયો, તુજથી ઝેર આંખો તણાં

ગયાં, નયન વિશ્વનું, નિગૂઢ તુંથી શોધી શક્યાં.

પીધો કરુણ જીવને, જીવન-મૃત્યુનાં દ્વંદ્વનાં

રસાયન પીધાં, હવે નહિ મને કશા ઑરતા.

વ્યથા પ્રણયની સહી, પ્રણયમાં ધૃતિયે લીધી

અને ઉભયના ઉરે પ્રણય મૂક માણી લીધો.

જવાબ નહિ માગવો, નયનમાં વાંચી લીધો.

જૂઠી નયનની લિપિ કદીય કોઈ ક્હેશો નહિ

અશબ્દ શિશુ માતૃસ્નેહ નયને વાંચી લિયે,

તથા પ્રણયી અને સ્વજન સ્નેહીઓયે સુણે

કથા હૃદયની બધી નયન વૈખરીમાં શુભે!

સુદૂર રહી પીયૂષો પ્રણયનાં તું વર્ષાવજે

અને જીવનમાં સદાય શુચિ ભાવથી પ્રેરજે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : હરિશ્ચંદ્ર ભટ્ટ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 1999