tame awyan ne aa - Sonnet | RekhtaGujarati

તમે આવ્યાં ને આ...

tame awyan ne aa

માધવ રામાનુજ માધવ રામાનુજ
તમે આવ્યાં ને આ...
માધવ રામાનુજ

તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું,

ગયાં ગોરંભીને ઘન વરસી, આકાશ ઊઘડ્યું,

થીજ્યાં આંસુ ઓથે સ્મરણ અધરે સ્મિત ઊઘડ્યું.

-યુગોથી વેંઢારી નરી અલગતા ચંદ્ર ફરતો

રહે, મારું યે આ જીવતર વીત્યું એ જ ગતિમાં

તમારા આવ્યાનો કલરવ ભરી યાન ઊતર્યું

અને રૂંવે રૂંવે પ્રથમ પળનું દર્દ ઊઘડ્યું!

અષાઢી રાતોનાં રિમઝિમ બધાં ગીત ફણગે

તમારાં આછેરા કુમકુમ ડગે—સ્તબ્ધ ફળિયે;

ઝરૂખે ટાંગેલી નીરવ ઠીબની પાંખ ફરકે

તમારી કીકના સજલ ટહુકે મુગ્ધ નળિયે

ઝમે આળો આળો દિવસ, ઘરમાં રાત રણકે!

ઘડી ઊભાં રે’જો ઉંબર પર સિંદૂરવરણાં,

તમારા સેંથામાં મિલન-પળનું મૌન ભરી દા’.

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ