Bhale Shrungo Uncha - Sonnet | RekhtaGujarati

ભલે શૃંગો ઊંચાં

Bhale Shrungo Uncha

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ભલે શૃંગો ઊંચાં
ઉમાશંકર જોશી

મને બોલાવે ગિરિવર તણાં મૌનશખરો,

ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે,

શુચિ પ્રજ્ઞાશીળું સ્મિત કુમુદપુંજો સમ ઝગે;

વહી ર્હેતો ત્યાંથી ખળળ ચિર શાતા જળ-ઝરો.

ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત;

મુખે એને કેવું વિમલ શુભ દૂધ સુહતું!

હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું.

રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત.

ગમે શૃંગો, જનરવભરી ખીણ મુજ હો!

તળેટીએ વીથી સહજ નિરમી શાલતરુની,

રમે ત્યાં સન્ધ્યાદીપ; સ્તમિત-દૃગ ખેલે શિશુકુલો;

સ્ફુરે ખીલે વીલે હૃદય હૃદયે ભાવમુકુલો;

ભલે શૃંગો ઊંચા, અવનિતલ વાસો મુજ રહો!

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 574)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ