swikar - Sonnet | RekhtaGujarati

હવે ગભરાઉં, મોત ખખડાવતું બારણું,

હવે પરવા કશી, ફિકર ના કરું કાંઈ હું,

હવે ફરિયાદ, દાદ, નવ વાદવિવાદ વા,

હવે અફસોસ, અંત સમયે અંતાક્ષરી,

સ્મરું ગત, ના અનાગતની ચિંતા કરું,

હવે કરું વાત કો જીવનના જુદા જોગની,

મળ્યું જીવન જે, ફળ્યું ફળ્યું, ત્યાં તેમાં જ, હું

રહસ્ય લહું દુન્યવી, સકલ અર્થ અસ્તિત્વનો.

હવે કરવું હોય તે હરિ કરે, હરિ હાથ હું,

ભલે મરણ આવતું, બસ અનંત નિદ્રા સરું,

થઈ સફર આજ પૂરી, યમરાજ, પૃથ્વી પટે,

ચલાવ રથ દિવ્ય દક્ષિણ પથે, હું તૈયાર છું,

વિલીન બસ થાય નામ, નિશાન કાંઈ રહો,

વિદાય લઉં હું સમસ્ત જગની હવે, અલવિદા!

('મોત ખખડાવતું બારણું' સોનેટમાળામાંથી)

સ્રોત

  • પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સર્જક : નટવર ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2015