wishad - Sonnet | RekhtaGujarati

ખલાસ ખલ ખેલ, મોત ખખડાવતું બારણું,

થઈ ખતમ જિંદગી વ્યર્થ કાંતિ, શાંતિ વિના,

મુરાદ મનની, ઉદાર ઉરના પુરા ઓરતા,

બધું બધું નષ્ટ, સ્પષ્ટ હતું તે થયું ધૂંધળું,

નથી નથી શબ્દ મંગલ પ્રસન્ન આવ્યો નથી,

અતૃષિત, આર્ષ દર્શન થયું, દીક્ષા મળી.

મને અબળખા હતી જીવન ભવ્ય કર્તવ્યની,

પરંતુ ઘટમાળ જાળ જીવલેણ સંસારની

ગઈ ભરખી સર્વ સ્વપ્ન, ઉરમાં ઉધામા હવે,

હજાર કરી ભૂલ શૂલ સમ આજ જે ભોંકાતી,

રહસ્યમય રમ્ય જે જીવનની હતી કલ્પના,

તેની થઈ ઝાંખી, કંઈ ભવનો ભવાડો થયો,

નિરાશ ભટક્યો, ભરાડી ભભડ્યો, ભુરાયો ભૂંડો,

લડ્યો હું, લથડ્યો, પડ્યો, વરવી વાત વૈફ્લ્યની.

('મોત ખખડાવતું બારણું' સોનેટમાળામાંથી)

સ્રોત

  • પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : નટવર ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2015