wadhamni - Sonnet | RekhtaGujarati

વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,

આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી

દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે

આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છૉળઠેલે;

ને આવી તો પણ નવ લહૂં ક્યાં ગઇ’તી શિ આવી,

જીવાદોરી ત્રુટિ ગઇ તેથી રહું શીષ નામી.

ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,

જાણું સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા ઠાલા:

માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,

મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.

બીજું, વ્હાલા; શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્હેતા,

ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;

ગોરૂં ચૂસે સતત ચુચુષે અંગુઠો પદ્મ જેવો,

આવી જોઇ, દયિત, ઉચરો લોચને કૉણ જેવો ? ૧૪

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000