paroDhe tapni pase bethel wridhdhni swgatokti - Sonnet | RekhtaGujarati

પરોઢે - તાપણી પાસે બેઠેલ વૃધ્ધની સ્વગતોક્તિ

paroDhe tapni pase bethel wridhdhni swgatokti

રાવજી પટેલ રાવજી પટેલ
પરોઢે - તાપણી પાસે બેઠેલ વૃધ્ધની સ્વગતોક્તિ
રાવજી પટેલ

ધીરે રહી પમરતું પરભાતિયું, ને

માંચી મહીં બચબચ્ચું શિશુ, કાન વાગ્યા

કો શ્વાનના. સળવળ્યો પથ, શાંત પાછો.

ચોપાસ મંદ પ્રસરે ભળભાંખળું થૈ

તંબૂર. ને મન વિષે કશી રિક્ત શાંતિ.

ઉતાવળી ગરગડી થઈ કો'ક કૂવે

ખેંચ્યે જતી ઘટ હવે, સણકોરવાયો

અગ્નિ સ્વયં. ખળભળ્યું મન કો વલોણે.

સીમમાં સકલ ભાંભરતી ગમાણો

ચાલી ગઈ, નયનબ્હાર ઘડીકમાં તો.

ભીની જગા કલકલી ઊઠી - સ્પર્શ મ્હોર્યો

પાસે, ફરે કર, કઠોર પડેલ સાંઠી.

કેવે સમે સૂરજ પૂર્વ વિષે પ્રકાશ્યો!

ખોળ્યા કરું હજીય ભસ્મ મહીં....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000