wiDambna - Sonnet | RekhtaGujarati

(પૃથ્વી)

અહીં નગરના ગીચોગીચ પથે તમારું કદી

પગેરું લઈ શોધતાય અટવાઈને ભીડમાં

અતીવ તલસી રહું પણ તમે હવે ક્યાં મળો?

લગીર અણસાર ના કદી મળે તમારો મને.

હશે રવિ-શશી તમારી પરસાળમાં ઊગતા

ધરી અવનવાં રૂપો; બધું એમ મારાય

નિવાસ પર ઊગતું. ગગન એકના ટુકડા -

તળે વસવું તોય ના મળવું; કેવી વિડંબના!

પથો નગરના રહે રઝળતા ખાલી હવે,

અહીં સૂરજ, ચંદ્ર, વાદળ: બધુંય વૃથા હવે.

અને વિહગની ટહુક, ફૂલ ખીલવાનો કશો

અર્થ: ખરું માત્ર એક પલળી જતી પાંપણો!

કદી નીરખજો તમે ગગનગોખમાં ચંદ્રને;

અગાસીથી મળીશ હું નજરને તમારી ગ્રહી!

સ્રોત

  • પુસ્તક : નવા ચંદ્રની કૂંપળ (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સર્જક : નવા ચંદ્રની કૂંપળ
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 1999