wasana - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રસુપ્ત અહિરાજ આહ! દઈ ડંખ ચાલ્યો ગયો.

રગેરગમહીં જતાં પસરી ઝેર, ભાંગી પડે

બધું બદન, તપ્ત નેત્ર રુધિરાશ્રુઓ નિ:સ્રવે.

હું અજર નીલકંઠ કંઠમહીં ઝેર ધારું જ, કે

ત્રિનેત્ર બની નેત્રથી વિષદ ભસ્મભેગો કરું.

હરિત્ તૃણ બિછાત ને સુરભિવંત પુષ્પોભર્યા

વને વિહરતાં મને ચટકી ડંખ ઝેરી દઈ,

પ્રસુપ્ત અહિરાજ જાગ્રત બની દોડી ગયો.

હવે કંઈ ભાન, વાન સહુ નીલરંગી બને.

સુકાય ગળું, ને તૃષાર્ત ભટકું અહીંથી પણે.

જતાં પસરી ઝેર, ઘેન સહુ અંગઅંગે ચડે;

વિમૂઢ બની ઘેનમાં વિકલ આથડે ને પડે.

ચડ્યું બદન કાલકૂટ, નયને લીલૂડાં રમે.

હવે સ્મરણ ના કશું ય, નહિ વાસના યે દમે!

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : ગોવિન્દ સ્વામી
  • સંપાદક : સુન્દરમ્, ઉમાશંકર જોષી, પ્રજારામ રાવળ
  • પ્રકાશક : પ્રજારામ રાવળ
  • વર્ષ : 1947