sisriksha - Sonnet | RekhtaGujarati

સિસૃક્ષા

sisriksha

વિનોદ જોશી વિનોદ જોશી
સિસૃક્ષા
વિનોદ જોશી

નખ સતત વલૂરે જીર્ણ કંગાળ ભાષા,

પચક ખરજવામાં ખદબદે કારયિત્રી;

ચવડ હવડ સ્વપ્નો લેખિનીથી ઝળુંબી,

શરમ વગર કોરા કાગળે શાહી થૂંકે.

તરત બટકતી બુઠ્ઠી બધી કલ્પનાઓ,

અધવચ હડફેટે આવતી એકધારી;

સ્ખલન જનિત શબ્દો ચીકણો સાવ સુંધી,

લપ લપ જીભડીથી ગોબરા અર્થ ચાટે.

કરવટ લઈ કૂડી વ્યંજના થાય બેઠી,

પલકભર ધુણાવે સામટાં ગાત્ર રાંટાં;

ભરભરભર ભૂક્કો થાય આયાસપૂર્ણ,

ઠરડ મરડ ખાંગા ખોચરા અક્ષરોનો.

શિથિલ પણછ તીણાં તીર તાકી શકે ના,

મિથુનવિવશ ક્રૌંચી ચીસ પાડી શકે ના!

સ્રોત

  • પુસ્તક : આપણાં સોનેટ (પૃષ્ઠ ક્રમાંક 173)
  • સંપાદક : આપણાં સોનેટ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : 5