shayangrih - Sonnet | RekhtaGujarati

શયનગૃહ

shayangrih

પારુલ બારોટ પારુલ બારોટ

(મંદાક્રાંતા)

હું તો મારા, શયનગૃહમાં, આંખ ઢાળી ઢળી'તી.

ત્યાં તો પેલો, ભ્રમર ગુંજતો, ડંખ મારી ઊડી ગ્યો.

આખે અંગે, બળબળી રહી, કોઈ પીડા મજાની.

રાતાં રાતાં, રગત સરખાં, કૈંક ઊઠ્યાં ચકામાં.

મીઠી મીઠી, મધુર રજની, માણવા હળ્યો'તો

હૈયામાંથી, પ્રણયરસનો, કુંભ આખો ઢળ્યો'તો.

ઓચિંતાનો, અધર પર કૈંક છોડી ગયો ને,

અંગે અંગે, મિલન રસનો રંગ ઘોળી ગયો'તો.

શ્વાસે શ્વાસે, છલક છલકી કૂંપળો શી ફૂટી કૈં.

એવી જાગી, રણઝણી અને ભાન પૂરું ભૂલી'તી.

દૃષ્ટિમાં તો, વિવિધ પળના કૈંક રંગો પુરાયા.

જે દોડીને, શયનગૃહમાં આવી કેવા છવાયા.

રૂંવે રૂંવે, સજીવન થયા દીવડા કૈંક ન્યારા.

જેના તેજે, કનક બનતી એક રૂપેરી કાયા.

સ્રોત

  • પુસ્તક : ત્રિદલ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : પારુલ બારોટ
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2018