shrii arvind - Sonnet | RekhtaGujarati

શ્રી અરવિંદ

shrii arvind

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
શ્રી અરવિંદ
હરીન્દ્ર દવે

સદેહે ના જોયા પણ સતત જેને અનુભવ્યા,

સમાધિસ્થાને જ્યાં શિર ધરી નમ્યા, આશિષ મળ્યા :

ન જે વાણી કેરું અમૃત મળ્યું, સંજીવન થઈ

સમાયું સારાયે નિખિલ મહીં–એ કેવી કરુણા!

કદી આ નેત્રોથી અરુણ પ્રગટ્યો જે અવનીમાં

પ્રકાશે છે વિશ્વે સતત, નવ અસ્તાચલ ગયો :

અમારાં અંગોમાં સ્ફુરણ નિત એનું જ, કિરણો

ઉગાડે છે વિશ્વે કમલવન કેવાં નિત નવાં!

કદી એણે લીધી સ્થિર ચરણથી દક્ષિણ દિશા,

ઘણાં પ્રશ્નોના એ પરમ ગતિમાં ઉત્તર મળ્યા!

કૃપાની વર્ષા એ વરસી, નવ કો આવરણ ત્યાં,

અને સૌને કાજે સુલભ કરી પ્રચ્છન્ન પ્રભુતા!

હવે એ રસ્તે છે ગતિ, અવર માર્ગેથી અટક્યા,

શતાબ્દી પ્હેલાં આ સર પરમ અરવિંદ પ્રગટ્યા.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ