shant darshan - Sonnet | RekhtaGujarati

શાન્ત દર્શન

shant darshan

ગોવિંદ સ્વામી ગોવિંદ સ્વામી
શાન્ત દર્શન
ગોવિંદ સ્વામી

(પૃથ્વી)

બધું સૂમસામ, રાત્રિતણી શાન્ત સુપ્તિમહીં,

વિરાટ જગની પરે અરવતા છવાઈ રહી.

ધીમાં ડગ ભરંત આભમહીં ચંદ્રમા એકલોઃ

મહા ભુજગ-ફેણમાં ઝગમગંત જાણે મણિ.

ખૂણે ક્યહીં ઝબૂકતી ધવલ કો’ક તારાકણી.

ઘૂમે ગગનઆંગણે ધવલ પાતળી વાદળી.

કદી તમતમાટ તીવ્ર કરી ઊઠતી ચીબરી.

અને વિપળમાં શાન્તિ નિજ રાજ્ય પ્રસ્થાપતી.

મહા ખખડધજ વૃક્ષ પણ રુક્ષ શા ગ્રીષ્મમાં

પ્રશાન્ત રજનીમહીં ધરી સુષુપ્તિ સર્વે ઊભા.

સમીર પણ શાન્ત નીરવ પદે ક્યહીં લ્હેરતોઃ

શીળી મધુર લ્હેરથી ઘડીક સર્વ ડાલાવતો.

નિસર્ગતણી ભવ્ય શાન્તિ મુજ અંતરે રેલતીઃ

પ્રચંડ ઊછળત ક્ષુબ્ધ ઉરસિન્ધુને શામતી.

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : ગોવિન્દ સ્વામી
  • સંપાદક : સુન્દરમ્, ઉમાશંકર જોષી, પ્રજારામ રાવળ
  • પ્રકાશક : પ્રજારામ રાવળ
  • વર્ષ : 1947