Shamna - Sonnet | RekhtaGujarati

તમે ક્યાંથી મારે નગર, ઘરને આંગણ પ્રિયા!

બપોરી વેળાનું અલસ શમણું તો નથી તમે!

-મને એવા એવા બહુ અનુભવો થાય હમણાં-

હું સૂતી હોઉં ને અરવ પગલે-હોય હવા!-

તમે આવો શય્યા મહીં, વદન મારે ઝૂકી રહો;

હું જાગી જાઉં ને ચમકી લહું ઓષ્ઠદ્વય ભીના!

સવારે જ્યાં વાળું ઘર, અહીંતહીં જોઉં પગલાં

તમારાં ને થંભી જઉં ક્ષણ, પડું પાય વળગી;

છુપાવું લજ્જાને અમથું અમથું ગીત ગગણી!

જમું ને ઓચિંતા કવલ સરી જાયે કર થકી;

બધાંની આંખોથી જ્યમત્યમ કરી જાઉં સરકી;

ફરે પાછી ભીની નજર નીરખી બંધ ખડકી.

મને સાચાં-માચાં સુખ પણ હવે ભ્રાન્તિ, શમણાં;

પ્રતીતિ દો ચૂમી અધર, ભુજમાં ભીડી હમણાં.

(૭-૫-૧૯૭૦)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000