શાલિની, સુશીલા, શુભા
shalini, shushila, shubha
રક્ષા દવે
Raksha Dave
રક્ષા દવે
Raksha Dave
(છંદ : શાર્દૂલ-વિક્રીડિત)
શાલિની, સુશીલા, શુભા, શુચિપદા, ગૌરી, ગિરા, ગોમતી,
ગંગા ને સરજૂ, સૂલુ, સુમિ, શીલા – સૌ ગાવડી સંગ લૈ
વત્સા : નંદિની, ચાંદરી, ઋજુ, મુદા, બાંધી ગ્રીવા ઘંટિકા
ચાલ્યા ગોવિંદ દાઉજી લઈ સહે ગોવાળિયા સામટા
શ્રીમાદો, સુખિયો, ખુશાલ, હીરજી ને તંસુખો, મંસુખો,
સૌ ચાલ્યા ગઉ ચારવા નિજ ખભે લૈ લાકડી, કામળી.
તારામંડળ બીચ ચંદ્ર ચમકે હા, તેમ ગ્વાલો મહીં,
શોભે છે ચિત ચોરતા વ્રજપતિ ગોપાલ ચુડામણિ.
ઠેકે દાદુર જેમ, રીંછ સરખું ચાલે, ઘડી દોડતા
બોલે કોકિલ જેમ, પોપટ સમું, કેકા કરે મોરની.
માથે મોરનું પીંછ, ડૂલ ફૂલનાં પીળાં સજ્યાં કર્ણમાં
ઓષ્ઠે વેણુ ધરી સુરાગ સૃજતાં જો... જાય... વૃંદાવને.
ઊભા રહો પ્રભુ! ભાળવું તમ કરે આ ચિત્તનું વાછડું
સીધું દોર કરો, કદી ન વટકે, લૈ જાવ વૃંદાવને.
સ્રોત
- પુસ્તક : કવિતા - સપ્ટે.-ઑક્ટો., 2017 (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
