shaherman ek diwse - Sonnet | RekhtaGujarati

શહેરમાં એક દિવસે

shaherman ek diwse

રામચંદ્ર પટેલ રામચંદ્ર પટેલ
શહેરમાં એક દિવસે
રામચંદ્ર પટેલ

અહીં શ્હેરેઃ ઊંચા ઘરમહીં ફરું શાન્ત; હળવે

રહી બારી ખોલી નીરખું ત્યહી ઘોંઘાટ રવના

કરંટે ફેંકાઈ ઊકળી રહું હું ફ્લેટ વચમાં.

પછી અંધારું ડીઝલનું બધું ઊતરી પડી

ગળે ટૂંપો દે ત્યાં દૂરથી ઊછળી ગામ પળમાં.

પ્રવેશીને છાંટે તરુતરુની છાયા, પવનનાં

હલેસાંની સાથે વિહગ-ટહુકાનાં ફળ ગળ્યાં

ચખાડે ત્યારે તે પ્રભુતણી હથેલી સમ ઝગી

લહેરાતાં શ્વાસે મઘમઘ બની ખેતર બધાં

ઢળે; ને ધેનુ દૂધની રણકતી ધાર વળગે

સરી આવે માડી નભથી ઝરતી વાદળી સમી

અને લોહીનું ઘી રમતું થઈ જાતું સહજમાં.

—અહીં ઓચિંતી જતી ઘડીકમાં લિફ્ટ ખખડી

જતું ઊડી મારા હૃદય પરથી ગામ ફફડી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981