tu-Tame - Sonnet | RekhtaGujarati

પુરા પત્રે પત્રે કલમ સ્રવતી ‘તું’ હતી તદા

સુહાતાં સ્વપ્નોનું સમીકરણ તું ને શ્વસનમાં

બજી રહેતું –‘તું’, ‘તું’: નજર વસતી એક છવિ!

‘તુ’નામી ચાખ્યું મેં મધુ, વિરમવવા એક જગા

ધસ્યે જાતાં મારાં ચરણતણી તું –વિસ્મિત થતો :

લિયે ખેંચી કેવો શબદ બસ, શ્રુતિનો!

પરોઢે હાવાં તો અલસ પગલે પાત્ર જળનું

ધરી ધીરે સીંચો તુલસી, નમતાં પૂરવ દિશે

(શકે જોડાયેલા કરમહી રહ્યાં શ્રેય જગનાં!)

નિહાળું અંકાશી ઝલક અધખૂલ્યાં નયનમાં!

જમાડો છોરૂને–અતિથિ સહુને–વત્સલ દૃગે–

મનેયે શું જાણે પલટી બટુમાં દ્યો, અનસૂયા?

‘તું’કારો હોઠેથી સરિત પૂરશો સાવ વિરમે

ગરે હાવાં જીભે બકુલ ફૂલ થૈ એક ‘તમે.’

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ