santosh - Sonnet | RekhtaGujarati

ટૂંકી નજર ના'પણી, ફલક દૃષ્ટિનો ના ટૂંકો;

ભલે ક્ષિતિજગોળ સંકુચિત લાગતો પૃથ્વીનો.

ધરે દૃગ સમક્ષ ફક્ત મર ડુંગરોથી વીંટી

જમીન અતિ થોડી ગાઉ દસબારના પંથમાં;

જમીન પણ એટલી ધરી રહંત શિશુબાથમાં

ખગોળ અરધો; છુપાવતી નિજાંગ જોકે ઘણું,

અને મનુજદૃષ્ટિ સામી ભ્રમણે ઊભતાં સ્વયં

બતાવતી નભે અનંત રમણે ચડ્યા તારલા.

ટૂંકું જગત ના, રચાઈ પથરાયું ચોમેર જે.

ભલે નર એકીસાથ નવખંડ ખેડી શકે;

જહીં સ્થિર ઊભો તહીં જનસ્વભાવના કીમતી

પ્રકાર બહુયે, કદાચ સહુયે વસ્યા, આંખ જો.

અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી

તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 244)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ