santosh - Sonnet | RekhtaGujarati

પડીશ પછડાઈને સતત એકલા ભૂમિપે,

ખમીશ વ્રણ કારમા, વિષમ ભાગ્યની ભેખડે

ભમીશ અથડાઈને, કરુણતાભર્યા આત્મના

વિષાદપડઘા ભલે દશદિશે ઘૂમી ડૂબતા;

કો નયનમાં રમે સુભગ સ્વપ્ન તો યે ભલે,

વા હૃદય ઊછળે ચિરઉમંગમાં તો શું?

રડે કળકળે ભલે હૃદય શોકઘેલું થતાં,

અખંડ જલ છો વહે જીવનમાં નિરાશાતણાં.

હસીશ બસ રંગમાં, દૃગ અનંતમાં નાખીને,

અપાર પડદા પડયા ક્ષિતિજ ઢાંકતા; છો પડ્યા;

ભલે જગતને, મને,-મનુજને અહીં રૂંધતા.

મથીશ સહુ છોડવા, બલ અમાપ મારે ઉરે.

પડીશ પછડાઈને સતત એકલો ભૂમિપે

પળેપળ રહ્યો માનવ, અલ્પ સંતોષ એ.

સ્રોત

  • પુસ્તક : સંવેદના (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : નંદકુમાર પાઠક
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની
  • વર્ષ : 1942